નવી દિલ્લીઃ બોલીવુડ અભિનેતા રણદીપ હુડ્ડા આગામી બાયોપિક ‘સ્વતંત્ર વીર સાવરકર’માં વી.ડી.સાવરકરની ભૂમિકા નિભાવશે. ફિલ્મનું શૂટિંગ જૂન 2022માં શરૂ થશે. ફિલ્મની શૂટિંગ લંડન, મહારાષ્ટ્ર અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહના વિવિધ સ્થળો પર કરવામાં આવશે. નિર્માતાઓના જણાવ્યાનુસાર, આ ફિલ્મના માધ્યમથી એક અલગ સ્પેક્ટ્રમથી ભારતના સ્વતંત્રતા આંદોલનને ઉજાગર કરવામાં આવશે. આ ફિલ્મને મહેશ.વી.માંજરેકર દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. રણદીપ હુડ્ડાએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, કે એવા ઘણા હીરો છે જેમણે આપણને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જોકે, દરેકને યોગ્ય માન નથી મળી શકતુ એ દુઃખની વાત છે. વિનાયક દામોદર સાવરકરને આવા જ ગુમનામ હીરોમાં સૌથી ખોટી રીતે સમજવામાં આવ્યા. તેમની વાર્તાને અલગ રીતે રજૂ કરવામાં આવી જોઈએ.
સહયોગીઓ વિશે વાત કરતા રણદીપ હુડ્ડાએ કહ્યું કે, એક્ટર સંદીપ સિંહ સાથે ફિલ્મ ‘સરબજીત’ પછી સ્વતંત્ર વીર સાવરકર’માં કામ કરવાની ખુશી છે. ફિલ્મમાં વીર સાવરકરનો કિરદાર નિભાવવાનું કામ પડકારભર્યુ રહેશે. નિર્દેશક મહેશ.વી.માંજરેકર, ફિલ્મ માટે આ વિષય પર છેલ્લા એક વર્ષથી કામ કરી રહ્યા છે. ફિલ્મમાં વીર સાવરકરની એ કહાનીઓ દર્શાવવામાં આવશે જેને નજરઅંદાજ કરી દેવામાં આવી છે. આ કહાની એકવાર ફરીથી ઈતિહાસ પર વિચારવા પર મજબૂર કરી દેશે. હું સંદીપ સિંહ સાથે કામ કરવા ઈચ્છતો હતો. અને મને એ વાતની ખુશી છે કે અમે એક સાથે ફિલ્મમાં કામ કરીશું.
સ્વતંત્ર વીર સાવરકર ફિલ્મનું નિર્માણ આનંદ પંડિતના આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને સંદીપ સિંહ અને સૈન ખાન દ્વારા લિજેન્ડ સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે અને રૂપા પંડિત અને જય પંડ્યા ફિલ્મના સહ નિર્માતા છે. રણદીપના અભિનય કૌશલ્યની પ્રશંસા કરતાં નિર્માતા સંદીપ સિંહ કહે છે કે ભારતમાં બહુ ઓછા કલાકારો છે જેઓ પોતાની પ્રતિભાથી જાદુ સર્જી શકે છે અને રણદીપ તેમાંથી એક છે. વીર સાવરકરની ગણના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ પાત્રોમાં થાય છે, અને આ ભૂમિકા માટે માત્ર રણદીપ વિશે જ વિચારી શકતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે